ઈ.સ.૧૮૬૫ :

        ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃતિના અભ્યાસ, સંશોધન, અને

        સંવર્ધનને ક્ષેત્રે કામ કરતી મુંબઈની સૌથી જૂની ફાર્બસ ગુજરાતી સભાની

        સ્થાપના ૧૮૬૫માં થઇ હતી.

     

        આજના ગુજરાત રાજ્યમાં પણ આ ક્ષેત્રે કામ કરતી આટલી જૂની સંસ્થાઓ

        આંગળીને વેઢે ગણી શકાય એટલી છે.

     

      રજિસ્ટ્રેશન :

    • સપ્ટેમ્બર ૧૯,૧૯૫૨ના રોજ આ સંસ્થા પબ્લિક ચેરીટીઝ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થયેલી છે.
    • રજિસ્ટ્રેશન નંબર A407(BOM) છે.
    • ઇન્કમટેક્સ એક્ટ ૧૯૬૧ની કલમ 80G હેઠળનું સર્ટીફિકેટ ધરાવે છે.

    • આ કાયદાની જોગવાઈઓને અધીન રહીને સંસ્થાને અપાતા દાનને કરરાહત મળે છે.

        ઇતિહાસ:

        મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી અને બીજા કેટલાક અગ્રણીઓના

        મનમાં આવી એક સંસ્થા સ્થાપવાનો વિચાર થોડા વખતથી ઘોળાતો હતો.

     

        તેમણે એ અંગે ડૉ.જોન વિલ્સનને વાત કરી ત્યારે તેમણે એલેક્ઝાન્ડર કિન્લોક

        ફાર્બસને મળી, તેમની મદદ લેવા સૂચવ્યું.

     

        ફાર્બસના જ પ્રયત્નોથી અમદાવાદમાં ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની

        સ્થાપના થઇ હતી.

     

        સરકારી નોકરીને કારણે જ્યાં જ્યાં તેમની બદલી થતી ત્યાં ત્યાં ફાર્બસ ગુજરાત અને

        ગુજરાતીને પ્રોત્સાહન આપવાનાં કાર્યો કે સંસ્થાઓ શરૂ કરવામાં આગળ પડતો ભાગ

        ભજવતા હતા.

     

        ફાર્બસે મુંબઈમાં આવી સંસ્થા શરૂ કરવાનો વિચાર વધાવી લીધો.

     

        એ અંગે એક પ્રસિદ્ધિપત્ર તૈયાર કરાવી મુંબઈના અગ્રણીઓને તથા ગુજરાત-

        સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના રાજવીઓને મોકલી આપ્યું.

     

        તેનો પ્રોત્સાહક પ્રતિભાવ મળતાં ફાર્બસે પોતાને બંગલે એક અનૌપચારિક સભા

        બોલાવીને વિગતો નક્કી કરી લીધી.

     

     
    મનસુખરામ ડૉ.વિલ્સન મિ.ફાર્બસ ફોટો ગેલરી

        ૨૫ માર્ચ, ૧૮૬૫:

        મુંબઈના પ્રખ્યાત ટાઉન હોલમાં ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખને શનિવારે સાંજે

        એક સભા બોલાવવામાં આવી.

     

        અગાઉ પ્રગટ કરેલ પ્રસિદ્ધિપત્ર વંચાયા પછી ‘ગુજરાતી સભા’ સ્થાપવા અંગેનો

        ઠરાવ પ્રેમાભાઈ હિમાભાઈએ રજૂ કર્યો જેને પ્રેમચંદ રાયચંદે ટેકો આપ્યો. આ

        ઠરાવ તેમ જ ફાર્બસને આ નવી સંસ્થાના પહેલા અધ્યક્ષ નીમવા અંગેના

        ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા.

     

        અધિકારી મંડળી

        સંસ્થાની પહેલા વર્ષ માટેની ‘અધિકારી મંડળી’માં નીચેના સભ્યો નીમવામાં

        આવ્યા હતા:

        અરદેશર ફરામજી મૂસ, રેવરન્ડ ડૉ. જોન વિલ્સન, કરસનદાસ માધવદાસ,

        કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, રેવરંડ ધનજીભાઈ નવરોજી,

        ડૉ. ધીરજરામ દલપતરામ, કવિ નર્મદાશંકર લાલશંકર, પ્રેમચંદ રાયચંદ,

        ડૉ. ભાઉ દાજી, મંગળદાસ નથ્થુભાઈ, મનસુખરામ સૂર્યરામ, રણછોડભાઈ

        ઉદયરામ, વિશ્વનાથ નારાયણ મંડલિક, વીરચંદ દીપચંદ, અને સોરાબજી

        શાપુરજી બંગાલી.

     

        માનદ મંત્રી

        આ જ સભામાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને માનદ મંત્રી નીમવામાં આવ્યા. છેક

        ૧૯૦૮ સુધી તેઓ આ સ્થાને રહ્યા. સંસ્થાના વિકાસમાં તેમની કામગીરી પાયાના

        પથ્થરની રહી છે.

     

        અણધારી આફતો

        પણ સંસ્થા હજી તો માંડ શરૂ થઇ ત્યાં જ તેને માથે બે અણધારી આફતો આવી પડી.

     

        સભાના સ્થાપક અને પહેલા પ્રમુખ ફાર્બસનું ટૂંકી માંદગી પછી ૧૮૬૫ના ઓગસ્ટની

        ૩૧મી તારીખે પુણેમાં અણધાર્યું અવસાન થયું.

     

        બીજું, અમેરિકન આંતર વિગ્રહનો અંત આવતાં મુંબઈના રૂ બજાર અને શેર

        બજારમાં ભારે મંદી આવી અને ઘણી ખાનગી બેન્કો ફડચામાં ગઈ.

     

        મુંબઈના અગ્રણી ગુજરાતીઓએ ‘ગુજરાતી સભા’ને રૂ. ૩૭,૫૦૦ જેટલી રકમ

        આપવાના અગાઉ વચન આપ્યાં હતાં, પણ આર્થિક મંદીને કારણે તેમાંથી માત્ર

        ૫૦૦ રૂપિયા જ (ગોકુલદાસ તેજપાલ તરફથી) મળ્યા હતા. બાકીના કોઈ દાતા

        તરફથી કશી જ રકમ મળી નહોતી. ગુજરાત-સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો તરફથી

        રૂ. ૨૬,૨૫૦ જેટલી રકમ મળી હતી.

     

        ફાર્બસની સ્મૃતિ

     

        ૧૮૬૫ના ઓક્ટોબરની ૯મી તારીખે ટાઉન હોલમાં મળેલી સભામાં ફાર્બસની સ્મૃતિને

        કાયમ માટે જાળવી રાખવાના ઈરાદાથી સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી

        સભા’ રાખવાનું સર્વાનુમતે ઠરાવાયું હતું. એ જ સભામાં બોમ્બે હાઈ કોર્ટના

        ઓનરેબલ જસ્ટિસ હેન્રી ન્યુટનને સર્વાનુમતે સભાના પ્રમુખ નીમવામાં આવ્યા હતા.

     

     
    ટાઉન હોલ ૨૫ માર્ચ
    ૧૮૬૫
    પ્રેમાભાઈ
    હિમાભાઈ
    પ્રેમચંદ
    રાયચંદ
    ડૉ. ભાઉ
    દાજી
    ફોટા વિભાગ

        મિ.ફાર્બસ, સંસ્થાના સ્થાપક-પ્રમુખ:

        ઓનરેબલ જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ (તેમની અટકનો ખરો ઉચ્ચાર

        ‘ફોર્બ્સ’ થાય છે, પણ ગુજરાતમાં તેઓ ‘ફાર્બસ’ને નામે જ જાણીતા છે. આ

        સંસ્થાના નામમાં પણ ગુજરાતમાં પ્રચલિત આ ઉચ્ચાર જ અપનાવાયો છે. એટલે

        અહીં પણ બધે તેમનો ઉલ્લેખ ‘ફાર્બસ’ તરીકે જ કર્યો છે.) નો જન્મ ૧૮૨૧ના

        જુલાઈની સાતમી તારીખે સ્કોટલેન્ડમાં થયો હતો.

     

        કોલેજના અભ્યાસકાળ દરમ્યાન જ સર વિલ્યમ જોન્સનાં પુસ્તકોના અભ્યાસને

        કારણે તેઓ ભારત પ્રત્યે આકર્ષાયા હતા. આથી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ

        સર્વિસમાં જોડાયા હતા અને ૧૮૪૩ના ડિસેમ્બરની ૩૦મી તારીખે તેમણે પહેલી વાર

        મુંબઈની ધરતી પર પગ મૂક્યો હતો.

     

        અહમદનગરમાં રહીને પહેલાં હિન્દુસ્તાની અને પછી મરાઠી ભાષાનો અભ્યાસ કર્યા

        પછી તેમણે અહમદનગર અને મુંબઈમાં થોડો વખત કામ કર્યું હતું અને પછી

        ૧૮૪૬ના અંતમાં આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદ ગયા હતા. અને ત્યારથી જ

        શરૂઆત થઈ ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસ, અને સંસ્કૃતિ સાથેના તેમના

        ગાઢ પ્રેમસંબંધની. તેને પરિણામે તેમણે ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત

        વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી અને કવિ દલપતરામની સહાયથી ગુજરાતી

         ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો.

     

        અનેક હસ્તપ્રતો, પુસ્તકો, અને સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી તેમણે

        લખેલું ગુજરાતના ઇતિહાસનું પુસ્તક ‘રાસમાળા’ ૧૮૫૬માં અંગ્રેજીમાં પ્રગટ થયું.

     

        અમદાવાદ ઉપરાંત સરકારી નોકરીમાં બદલીઓ થવાને કારણે તેમણે સુરત,

        મહીકાંઠા, રાજકોટ, અહમદનગર, વગેરે સ્થળોએ કામ કર્યું હતું. ૧૮૬૧ના

        નવેમ્બરની ૨૩મી તારીખથી ફાર્બસ મુંબઈની સદર અદાલતના ન્યાયાધીશ

        બન્યા હતા.

     

        ૧૮૬૨માં બ્રિટનનાં મહારાણીએ એક જાહેરનામા દ્વારા બોમ્બે હાઈકોર્ટની સ્થાપના

        કરી હતી અને તેના પહેલા છ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી. તેમાં ફાર્બસનો

        સમાવેશ થયો હતો. ૧૮૬૩માં તેઓ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક

        સોસાયટીના ઉપપ્રમુખ બન્યા હતા.

     

        આ ઉપરાંત સરકારે ૧૮૫૭માં સ્થપાયેલી યુનિવર્સીટી ઓફ બોમ્બેના વાઈસ

        ચાન્સેલર તરીકે પણ નિમણૂક કરી હતી. ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયા પછી

        તેમને અંજલી આપતાં વિશ્વનાથ નારાયણ મંડલિકે કહ્યું હતું કે ગુજરાતના કવિઓ,

        વિદ્વાનો, અભ્યાસીઓ વગેરે માટે તો ફાર્બસ વિક્રમાદિત્ય કે રાજા ભોજ જેવા હતા.

     

     
    મિ.ફાર્બસ 'રાસમાળા' સર જોન્સ ૧૮૬૨
    બોમ્બે હાઈકોર્ટ
    ફોટા વિભાગ

    હેતુઓ :

    • ગુજરાતને લગતા તેમ જ ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ કરવા અને તેમાંના જે મુદ્રિત સ્વરૂપમાં સરંક્ષણ યોગ્ય હોય તેમના સંશોધન કરવા અને પ્રસિદ્ધ કરવા.
    • અનુકૂળતા પ્રમાણે સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત, ફારસી, તેમ જ બીજી ભાષાઓનાં શિષ્ટ અને ઉપયોગી ગ્રંથોનાં ભાષાંતર-સંપાદન કરાવવાં.
    • ગુજરાતી ભાષામાં રચાયેલા સ્વતંત્ર ગ્રંથોને ઉત્તેજન આપવું.
    • ગુજરાતી ઇતિહાસ, ભાષા, અને સાહિત્યને લગતાં સંશોધનાત્મક પ્રકાશનો હાથ ધરવાં.
    • અનુકૂળ સંજોગો ઊભા થતાં સંશોધન કેન્દ્ર શરૂ કરવું.

    વર્તમાન હોદ્દેદારો:

          હાલનું વ્યવસ્થાપક મંડળ:

       

          પ્રમુખ: નવીનભાઈ સી. દવે

       

          ટ્રસ્ટીઓ:

          સિતાંશુ યશશ્ચંદ્ર

          દીપક મહેતા

          પ્રબોધ પરીખ

          ઉત્પલ ભાયાણી

       

          મંત્રી:

          દીપક દોશી

       

          સભ્યો:

          નલિની માડગાંવકર

          યોગેશ કામદાર

          હિતેષ પંડ્યા

          મુકેશ વૈદ્ય

          ધીરુબહેન પટેલ (કાયમી આમંત્રિત સભ્ય)

       



    ભૂતપૂર્વ પ્રમુખો:

      ૧૫. બળવંતભાઈ પારેખ ૧૯૯૧-૨૦૧૩
      ૧૪. હરિવલ્લભ ભાયાણી ૧૯૮૫-૧૯૯૧
      ૧૩. દામુ ઝવેરી ૧૯૮૪-૧૯૮૫
      ૧૨. રમણલાલ ચી. શાહ ૧૯૮૧-૧૯૮૪
      ૧૧. ચંદ્રવદન ચી. મહેતા ૧૯૬૮-૧૯૮૧
      ૧૦. ઓનરેબલ જસ્ટિસ સર હરસિદ્ધભાઈ દિવેટિયા ૧૯૫૭-૧૯૬૮
      ૯. દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧૯૨૬-૧૯૫૭
      ૮. ઓનરેબલ જસ્ટિસ સર લલ્લુભાઈ આશારામ શાહ ૧૯૧૬-૧૯૨૬
      ૭. ઓનરેબલ જસ્ટિસ સર એફ. સી. ઓ. બીમન ૧૯૦૭-૧૯૧૬
      ૬. ઓનરેબલ જસ્ટિસ ઇ. એમ.એચ. ફલ્ટન ૧૮૯૮-૧૯૦૭
      ૫. ઓનરેબલ જસ્ટિસ એચ. એમ. બર્ડવુડ ૧૮૯૦-૧૮૯૮
      ૪. ઓનરેબલ જસ્ટિસ જેમ્સ ગિબ્સ ૧૮૭૦-૧૮૯૦
      ૩. ઓનરેબલ જસ્ટિસ જે. બી. વોર્ડન ૧૮૬૯-૧૮૭૦
      ૨. ઓનરેબલ જસ્ટિસ હેન્રી ન્યુટન ૧૮૬૫-૧૮૬૯
      ૧. ઓનરેબલ જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ૧૮૬૫

     

     
    જસ્ટિસ ફલ્ટન જસ્ટિસ સર
    લલ્લુભાઈ શાહ
    દીવાન બહાદુર
    કૃષ્ણલાલ ઝવેરી
    જસ્ટિસ સર
    હરસિદ્ધભાઈ દિવેટિયા
    ચંદ્રવદન ચી.
    મહેતા
    બળવંતભાઈ
    પારેખ
    ફોટો ગેલરી
































Forbes Gujarati Sabha © Copyright
© ફાર્બસ ગુજરાતી સભા