બહુમૂલ્ય સંગ્રહ :

        એલેક્ઝાન્ડર ફાર્બસે પોતાના જીવનકાળ દરમ્યાન હસ્તપ્રતો અને પુસ્તકોનો જે

        બહુમૂલ્ય સંગ્રહ એકઠો કર્યો હતો તે તેમના અવસાન પછી ફાર્બસ ગુજરાતી સભાએ

        ખરીદી લીધો હતો.

     

        આજે સંસ્થા પાસે જે સમૃદ્ધ પુસ્તકાલય છે તેનાં મૂળમાં આ સંગ્રહ રહેલાં છે.

     

        ત્યાર બાદ જેમ જેમ આર્થિક અનુકૂળતા થતી ગઈ તેમ તેમ વખતોવખત તેમાં ઉમેરો

        થતો ગયો. કવિ નર્મદે કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૫૦માં ‘જુવાન પુરુષોની

        અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ સ્થાપી હતી જે વખત જતાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’

        બની હતી.

     

        બીજી પ્રવૃત્તિઓની સાથે ૧૮૬૦થી તેણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૮૯૫ના

        અરસામાં આ સંસ્થા કામ કરતી બંધ થઇ હતી.

     

        ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થાની બધી

        અસ્ક્યામતો છેક ૧૯૩૫માં ફાર્બસ ગુજરાતી સભાને તબદિલ કરવામાં આવી.

     

        ૧૯૩૪ના જુલાઈની ૨૯મીએ યોજાયેલા એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકાર

        કરવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ ‘શ્રી બુદ્ધિવર્ધક

        પુસ્તકાલય’ રાખવામાં આવ્યું.

     

  • ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાંથી પુસ્તક શોધો

        સમૃદ્ધ પુસ્તકસંગ્રહો :

        બીજી કેટલીક સંસ્થાઓના પુસ્તકસંગ્રહો પણ આ પુસ્તકાલયને મળ્યા.

     

        વળી નરસિંહરાવ દિવેટિયા, ચાંદાભાઈ મૂછાળા, વિજયશંકર ગૌરીશંકર ઓઝા,

        કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, તનસુખરામ ત્રિપાઠી, નારાયણ વસનજી ઠક્કર,

        શંકરપ્રસાદ રાવલ, વગેરેના અંગત અને સમૃદ્ધ પુસ્તકસંગ્રહો પણ મળતા રહ્યા.

     

        આ ઉપરાંત પોતાના અંગત પુસ્તકાલયનાં તમામ પુસ્તકો, પત્રો, ડાયરીઓ, ફોટા

        વગેરેનો સંગ્રહ ગુલાબદાસ બ્રોકરે સભાને સોંપ્યો છે.

     

        સંસ્થાના આરંભકાળથી માંડીને છેક ૧૯૨૭ સુધી તેનો પુસ્તકસંગ્રહ ધ બોમ્બે બ્રાંચ

        ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)માં

        અલગથી રાખવામાં આવ્યો હતો.

     

        ૧૯૨૭માં સંસ્થાની ઓફિસ માટે જગ્યા ભાડે લેવામાં આવી ત્યારે તેને એ જગ્યામાં

        ખસેડવામાં આવ્યો.

     

        ૧૯૩૩ના જુલાઈની નવમી તારીખે તે વખતના ગિરગામ બેક રોડ ખાતે સભાનું

        પોતાનું મકાન શરૂ થતાં પુસ્તકાલય ત્યાં ખસેડવામાં આવ્યું.

     

     

  • ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાંથી પુસ્તક શોધો

        દુર્લભ પુસ્તકો:

        આજે આ પુસ્તકાલય પાસે પચ્ચીસ હજાર કરતાં વધુ પુસ્તકો છે, જેમાંનાં ઘણાં

        દુર્લભ બનેલાં છે. તેમાં ગુજરાતી ઉપરાંત મરાઠી, સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અને

        અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.

     

        ઓગણીસમી અને વીસમી સદીનાં લગભગ તમામ મહત્ત્વનાં ગુજરાતી સામયિકોની

        ફાઈલો પણ પુસ્તકાલય પાસે છે.

     

        સભા પાસેની હસ્તપ્રતોની સંખ્યા ૧૫૦૦ કરતાં વધુ થવા જાય છે.

     

        નરસિંહ મહેતા, પ્રેમાનંદ, શામળ, અખો, વગેરે મધ્યકાલીન કવિઓ અને કૃતિઓના

        સંશોધકો અને સંપાદકોએ તેમાંની ઘણી હસ્તપ્રતોનો લાભ લીધો છે.

     

        રાસમાલાના લેખનની પૂર્વતૈયારી રૂપે ફાર્બસે અંગ્રેજીમાં અનુવાદ, સારાંશ, નોંધ

        વગેરે રૂપે જે સામગ્રી તૈયાર કરેલી તેના ફાર્બસના હસ્તાક્ષરમાં લખાયેલા ચોપડા

        તથા તેમને માટે કવિ દલપતરામે એકઠી કરેલી ગુજરાતી સામગ્રીના ચોપડા પણ

        સભાના સંગ્રહમાં સચવાયા છે.

     

     

  • ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાંથી પુસ્તક શોધો

        અદ્યતન ટેકનોલોજી:

     

        આ સંગ્રહમાંની ઘણી સામગ્રી કાળબળે જર્જરિત થઇ હોવાથી અદ્યતન ટેકનોલોજીની

        મદદથી તેને જાળવવાના કામનો સભાએ આરંભ કર્યો છે.

     

        ઓગણીસમી સદીનાં ૧૦૦ પુસ્તકો સ્કેન કર્યાં છે તેમ જ ‘ફાર્બસ ગુજરાતી સભા

        ત્રૈમાસિક’ના પહેલા ૭૫ વર્ષના તમામ અંકો અને વિજયરાય વૈદ્યના ‘કૌમુદી’ના

        તમામ અંકો પણ સ્કેન કર્યા છે.

     

        આ બધી સામગ્રી ડેટા સીડી રૂપે હવે સુલભ બની છે. પુસ્તકાલયનાં તમામ પુસ્તકો

        અને સામયિકોની ફાઈલોની સંપૂર્ણ સૂચિ કમ્પ્યુંટરાઇઝ્ડ કરી વેબસાઈટ પર

        મૂકવામાં આવી છે. ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાંથી પુસ્તક શોધવા માટે

        અહીં ક્લીક કરો.

     

        વાચકોને માટે એર કન્ડિશન્ડ રીડિંગ રૂમ, ઝેરોક્સ, વગેરે સગવડો ઉપલબ્ધ છે.

     

     

  • ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાંથી પુસ્તક શોધો

    સંપર્ક ગ્રંથપાલ :

    • રાજેશ દોશી - ઈમેલ: forbes_gs@yahoo.co.in
    • ગ્રંથપાલ સહાયક: વિજય સીતાપરા
































Forbes Gujarati Sabha © Copyright
© ફાર્બસ ગુજરાતી સભા